– અંતિમ દિવસે એક પણ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચ્યુ 

– 7 મેએ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાશે, ઉમેદવારોનુ ચિત્ર સ્પષ્ટ થતા હવે ચૂંટણી પ્રચારનો ધમધમાટ જામશે 

ભાવનગર : ભાવનગર લોકસભા બેઠક પર આજે સોમવારે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો પરંતુ એક પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા નથી તેથી ઉમેદવારોનુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. ભાવનગર લોકસભા બેઠક પર ૧૩ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે. ઉમેદવારોનુ ચિત્ર સ્પષ્ટ થતા હવે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થશે, જયારે ચૂંટણી તંત્ર દ્વારા પણ ચૂંટણીને લગતી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  

ભારતમાં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે, જેમાં ભાવનગર સહિત ગુજરાતની લોકસભાની ર૬ બેઠક માટે ત્રીજા તબક્કામાં આગામી તા. ૭ મેના રોજ ચૂંટણી યોજાશે. ગત તા. ૧ર એપ્રિલને શુક્રવારે જાહેરનામુ બહાર પડયુ હતુ અને ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો હતો. આ ચૂંટણી લડવા માટે કુલ ૧૯ ઉમેદવારે ફોર્મ ભર્યા હતા પરંતુ ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન ૬ ઉમેદવારના ફોર્મ અમાન્ય રહ્યા હતા અને ૧૩ ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતાં. આજે સોમવારે ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ હતો તેથી જે ઉમેદવાર ચૂંટણી લડવા ન માંગતા હોય તે ઉમેદવાર બપોરના ૩ કલાક સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય ઉમેદવારોને આપવામાં આવ્યો હતો પરંતુ આજે એક પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ ન હતું. 

ભાવનગર લોકસભા બેઠક પર હવે ઉમેદવારોનુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે અને ભાજપ, આપ સહિતી પાર્ટીના ૧૩ ઉમેદવાર ચૂંટણી લડશે તે ફાઈનલ થઈ ગયુ છે. ઉમેદવારો નક્કી થઈ જતા હવે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થશે. ચૂંટણી તંત્ર દ્વારા હવે ચૂંટણીને લગતી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર લોકસભા બેઠક પર આગામી તા. ૭ મેના રોજ મતદાન થશે અને આગામી તા. ૪ જૂને મત ગણતરી થશે. 

ભાવનગર લોકસભા બેઠક પર 11 પુરૂષ અને 2 મહિલા ઉમેદવાર ચૂંટણી લડશે 

ભાવનગર લોકસભા બેઠક પર કેટલા ઉમેદવાર ચૂંટણી તે આજે સોમવારે ફાઈનલ થઈ ગયુ છે. કુલ ૧૩ ઉમેદવાર ચૂંટણી લડવાના છે, જેમાં ૧૧ પુરૂષ અને ર મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે, જેમાં એક મહિલા ઉમેદવાર ભાજપમાંથી અને એક મહિલા ઉમેદવાર અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે. 

ભાવનગર બેઠક પર 8 પાર્ટીના અને પ અપક્ષ ઉમેદવાર મેદાનમાં 

ભાવનગર લોકસભા બેઠક પર ૧૩ ઉમેદવાર ચૂંટણી લડશે, જેમાં ૮ પાર્ટીના ઉમેદવાર છે, જયારે પ અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. ૮ પાર્ટીના ઉમેદવારમાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી, ગુજરાત સર્વ સમાજ પાર્ટી, ન્યુ ઈન્ડીયા યુનાઈટેડ પાર્ટી, રાઈટ ટુ રીકોલ પાર્ટી, આપકી આવાઝ પાર્ટી વગેરેનો સમાવેશ થાય છે.  

ગત લોકસભામાં 10 ઉમેદવાર ચૂંટણી લડયા હતા 

ભાવનગર લોકસભા બેઠક પર ગત વર્ષ ર૦૧૯માં ભાજપ, કોંગ્રેસ સહિત ૧૦ પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડયા હતા, જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. હાલ ર૦ર૪ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાવનગર બેઠક પર ૧૩ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે તેથી ગત લોકસભાની સરખામણીએ ૩ ઉમેદવાર વધુ છેે. હવે તમામ ઉમેદવાર ચૂંટણી લડવા જોર લગાવશે.  

ભાવનગર લોકસભા બેઠક પર પ્રથમવાર કોંગ્રેસનો ઉમેદવાર નહીં હોય 

ભાવનગર લોકસભા બેઠક પર પ્રથમવાર કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યો નથી તેથી ભાજપ અને આપ પાર્ટીના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે. ઈન્ડીયા ગઠબંધનની બેઠક નક્કી થયા મુજબ ગુજરાતમાં કોંગ્રેસ ર૪ અને આપ ર બેઠક પર ચૂંટણી લડશે, જેના પગલે ભાવનગર લોકસભા બેઠક પર આપ પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી લડશે અને કોંગ્રેસના કાર્યકરો તેને સહયોગ આપશે તેમ જાણવા મળેલ છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *