અમદાવાદ,સોમવાર,22 એપ્રિલ,2024
અમદાવાદમાં હાલ કાળઝાળ ગરમી અને ઉનાળાની મોસમ ચાલી રહી
છે.આમ છતાં અમદાવાદમાં ત્રણ સ્થળે ભુવા પડવાની ઘટના બનતા મ્યુનિસિપલ તંત્ર દોડતુ
થઈ ગયુ છે.શહેરના દક્ષિણ ઝોનમાં ગુરુજી બ્રિજ પાસે ઉપરાંત ભાઈપુરા -હાટકેશ્વર
વિસ્તારમાં ભુવા પડવાની સાથે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રોડ ઉપર બ્રેકડાઉન થવાની
ઘટનાને પગલે મ્યુનિ.તંત્ર દોડતુ થયુ છે.ગુલબાઈ ટેકરા વિસ્તારમાં એક તરફનો રસ્તો
બ્રેકડાઉન થવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવાની મ્યુનિ.તંત્રને ફરજ પડી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં
કરોડો રુપિયાનો ખર્ચ કરીને રોડ રીસરફેસ કે નવા બનાવવાની કામગીરીકરવામા આવતી હોય
છે.બીજી તરફ અંડરગ્રાઉન્ડ યુટીલીટીને લઈ અવારનવાર શહેરના વિવિધ વોર્ડમા આવેલા
રસ્તાઓ ઉપર અલગ અલગ કારણોસર ભુવા પડવાનો ક્રમ યથાવત જોવા મળી રહયો છે.શહેરના
દક્ષિણ ઝોનમાં આવેલા ગુરુજી બ્રિજ પાસે આવેલી શારદાબેનની વાડી પાસે અડધા ઈંચનુ કનેકશન
લિકેજ હોવાના કારણે રોડ ઉપર ભુવો પડયો હતો.ઈજનેર વિભાગના અધિકારી પ્રેમલ શેઠે કહયુ, સપ્લાયમાં ચેક
કરવા માટે પ્રોટેકશન સાથે ખાડો ખુલ્લો રાખવામા આવ્યો છે.ભાઈપુરા-હાટકેશ્વર
વિસ્તારમાં કે.વી.નાગર સ્કૂલ પાસે ભુવો પડતા ત્યાંથી પસાર થતા ભારેવાહનના પૈડા
ભુવામા ફસાઈ ગયા હતા.પશ્ચિમ ઝોનના ગુલબાઈ ટેકરા વિસ્તારમા આવેલ અડદામુખીની ચાલી
પાસે સોમવારે બ્રેકડાઉન થતા એક તરફનો રસ્તો બંધ કરવામા આવ્યો હોવાનુ પશ્ચિમ ઝોનના
એડીશનલ સિટી ઈજનેર ઋષિ પંડયાએ કહયુ હતુ.