Lok Sabha Elections 2024 : આજે ગુજરાતની 26 લોકસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 3 વાગ્યા સુધીમાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે સ્પષ્ટ થશે. કારણ કે લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આ વચ્ચે હવે સુરતમાં ફરી હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે. સુરતમાં રવિવારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. ભાજપ સહિત કુલ 9 ઉમેદવારો સુરત બેઠક પર મેદાનમાં હતા, જેમાં ચાર અપક્ષ અને ચાર અન્ય પક્ષના ઉમેદવારો હતા. આ પૈકી ભાજપ સિવાયના સાત ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. હવે સોમવારે બસપાના ઉમેદવાર પ્યારેલાલે પણ ફોર્મ પરત ખેંચ્યું છે. કલેક્ટરે પણ આ વાતની પુષ્ટિ કરી છે, પરંતુ થોડીવારમાં આ અંગે સત્તાવાર જાહેરાત થશે.
બસપા ઉમેદવાર પ્યારેલાલે પણ પરત ખેંચ્યું ફોર્મ
સુરત બેઠક પરથી આઠ પૈકી સાત ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. જોકે સુરતમાં બસપા ઉમેદવાર અને પાર્ટીના પ્રમુખ પ્યારેલાલ ભારતીએ આજે બે વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચ્યું ન હતું. બીજી તરફ પ્યારેલાલે કલેક્ટર અને એસપીને પત્ર લખીને પોલીસ સંરક્ષણ માંગ્યુ હતું. મુકેશ દલાલ બિનહરીફ થવાના સંકેત વચ્ચે પ્યારેલાલ સંપર્ક વિહોણા થયા હતા અને તેમના ઘર પર પણ તાળું હતું. આ વચ્ચે અચાનક તે કલેક્ટર કચેરીએ દોડી આવ્યા છે. એવી ચર્ચા છે કે તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે.
સુરત લોકસભા દેશની પહેલી બિનહરીફ બેઠક બની
સુરતમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. બસપા સહિતના તમામ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. લોકસભામાં ભાજપની પહેલી જીત થઈ છે. આ સાથે સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની છે. આમ, ભાજપે મોટું ઓપરેશન પાર પાડીને ઈતિહાસ રચ્યો છે.
વડાપ્રધાન મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું : સી.આર.પાટીલ
સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થવા પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું.
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ થયું હતું રદ
સુરત લોકસભાની ચૂંટણીમાં ગઈકાલે બપોર સુધી કોગ્રેસના ઉમેદવારના ફોર્મને લઇને ધમાચકડી ચાલ્યા બાદ સુરત જિલ્લા કલેકટરે કોંગ્રેસના નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારનુ ફોર્મ રદ કર્યું હતું. આ ફોર્મ રદ થતા જ ફોર્મ ચકાસણીની પ્રકિયા પણ પૂર્ણ થઈ છે.
સુરતમાં કોંગ્રેસ 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણી લડી શકશે નહીં
સુરત લોકસભાની ચૂંટણીના 73 વર્ષના વર્ષના ઈતિહાસમાં આ વર્ષે 18મી વખત યોજાનારી ચૂંટણી મતદારો, રાજકીય પક્ષો માટે હંમેશા એટલા માટે યાદ રહેશે કેમ કે 73 વર્ષમાં મુખ્ય પક્ષ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે. આ દિવસ કોગ્રેસ માટે કાળો દિવસ ગણાશે તેવો કાર્યકરોમાં ગણગણાટ થઈ રહ્યો છે. વર્ષ 1951થી ચૂંટણી યોજાઈ રહી છે અને 2019 સુધી 17 વખત ચૂંટણી યોજાઈ તેમાં કોગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. પરંતુ 1951 પછી પ્રથમ વખત એવુ બનશે કે કોગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડી શકશે નહીં. આ નામોશી માટે કોણ જવાબદાર? તે ચર્ચાનો વિષય બન્યો છે.