સુરત લોકસભા પર કોંગ્રેસના ઉમેદવાર અને ડમી નું ફોર્મ રદ થયા બાદ આજે મેદાનમાં રહેલા 8 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામા આવ્યા હતા. ત્યાર બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને વિજેતા ઉમેદવાર મુકેશ દલાલે સુરત ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.  જોકે, ક્ષત્રિયોની નારાજગી અંગે પ્રદેશ પ્રમુખે જવાબ આપવાનું ટાળ્યું હતું. 

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા ખોટા આક્ષેપ સાથે ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. કોંગ્રેસે પહેલા ટેકેદારોના અપહરણની વાત કરી હતી તેને ઉમેદવારે જ નકારી દીધી હતી પરંતુ આખરે સચ સામે આવ્યું છે અને મુકેશ દલાલનો વિજય થયો છે. 

તેઓએ કહ્યું હતું કે, સુરતની લોકસભા 400 પારનું પહેલું કમળ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કરી વિશ્વાસ અપાવીએ છીએ કે ગુજરાતની બાકી રહેલી તમામ 25 બેઠકો પણ વિજય મેળવીશું. આ ઉપરાંત તેઓએ અત્યાર સુધી કોંગ્રેસ લોકશાહીનું ખૂન કરીને ચૂંટણી લડતી હતી તેવો આક્ષેપ કર્યો હતો. હાલની સ્થિતિમાં ક્ષત્રિયોની નારાજગી છે તે માટે શું કહેશો તેવા પ્રશ્નમાં પ્રદેશ પ્રમુખ પાટીલે કશું પણ કહેવાનું ટાળ્યું હતું. 

સુરત બેઠક પર ચૂંટણી પહેલાં જ વિજયી બનેલા મુકેશ દલાલે કહ્યું હતું કે છેલ્લા દોઢ મહિનાથી તેઓ નેતાઓ અને કાર્યકરો સાથે લોકસભા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યાં છે અને આવકાર પણ મળી રહ્યો છે. પરંતુ ચૂંટણી પહેલા જ વિપક્ષના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયાં બાદ તેમને વિજેતા જાહેર કરવામા આવ્યા છે તે જીતને તેઓએ વડાપ્રધાન ને અર્પણ કરવા સાથે વડાપ્રધાન, ગૃહમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે પ્રદેશ પ્રમુખ નો આભાર માન્યો હતો. ઉપરાંત કોંગ્રેસ માટે કહ્યું હતું કે તુટતી બિખરતી કોંગ્રેસ માટે તેઓ શું કરી શકે ? એવું કહીને કોંગ્રેસ ચૂંટણી લડવા પણ સક્ષમ નથી તેવો કટાક્ષ કર્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *