અમદાવાદ,રવિવાર
દાણીલીમડામાં રહેતો યુવકે વાહન ઉપર જતો હતો ત્યારે પડોશમાં રહેતો શખ્સ પણ પોતાના પુત્રને બેસાડીને જતો હતો. આ દરમ્યાન ફરિયાદી અને શખ્સે બ્રેક મારવા જતા તેમના પુત્રનું માથું ફરિયાદીના એક્ટિવા સાથે અથડાયું હતું જેને લઇને બન્ને વાહન ચાલકો વચ્ચે તકરાર થઇ હતી. જેમાં આરોપીએ ફોન કરીને કેટલાક લોકોને બોલાવીને પડોશી બંને ભાઇઓને લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ૯ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકને ઘાયલ કરીને ધમકી આપી હવે પછી જો મગજ મારી કરી છે તો જાનથી મારી નાંખીશ પોલીસે ૯ લોકો સામ ગુનો નોંધ્યો
દાણીલીમડામાં રહેતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પડોશી સહિત ૯ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાત્રે તેઓ બર્ગમેન સ્કુટર લઈને ઘરે જતા હતા ત્યારે શક્તિ સોસાયટી પાસે ઓટો રીક્ષા ટર્ન લેતા તેઓએ વાહન ઉભું રાખ્યું હતું. રીક્ષાએ વળાંક લીધા બાદ તેઓ પોતાનું વાહન ચાલવતા હતા આજ સમયે તેમની પડોશમાં રહેતા શખ્સ તેમના પુત્રને એકટીવા ઉપર આગળ બેસાડીને જતા હતા અને ફરિયાદીએ ઓવર ટેક કરવાનો પ્રયાસ કરતો હતો. આ સમયે એકટીવા અને બર્ગમેન અથડાઈ જશે તેવું લાગતા બંને ચાલકોએ વ્હીકલ ઉભું રાખતા આરોપીએ બ્રેક મારતા બેલેન્સ નહી જળવાતા દિકરો નીચે પડતા બચી ગયો હતો.
બીજીતરફ દીકરાનું માથું એકટીવાના સ્ટેયરીંગ સાથે અથડાઈ ગયું હતું જેથી આરોપી ગુસ્સે થઈને બોલાચાલી કરીને ફોન કરીને લોકોને બોલાવ્યા હતા બાદમાં ફરિયાદી તેમના ઘર પાસે પોતાના ભાઇ સાથે ઉભા હતા. થોડીવારમાં આરોપી કેટલાક માણસોને લઈને આવ્યો અને ફરિયાદીને સાથે મારા મારી કરી હતી જો કે તેમનો ભાઇ વચ્ચે પડતા આરોપીઓએ ફરિયાદીને માથામાં લોખંડની પાઈપના ફટકા માર્યા હતા અને તેમના ભાઇને ઢોર માર માર્યો હતો. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.