‘સ્ટ્રેઈટ્સ ઓફ હોર્મઝ’ જો ઈરાન બંધ કરી દેશે તો ભારતમાં ક્રૂડ ઓઈલ, એલ.એન.જી. અને એલ.પી.જી.ના ભાવ વધી જશે

નવી દિલ્હી: ઈઝરાયલ-ઈરાન વચ્ચે તંગદિલી ઘટવાનું નામ નથી લેતી. માત્ર મધ્યપૂર્વનું જ નહીં, સમગ્ર દુનિયાનું ધ્યાન અત્યારે આ બંને શક્તિશાળી દેશો ઉપર છે. વિશ્વ સમક્ષ મહાયુદ્ધ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે. ભારત માટે આ પરિસ્થિતિ વધુ ટેન્શન ભરેલી છે. કારણ કે જો ઈરાન હોર્મઝની સમુદ્ર ધુની (સ્ટ્રેઈટ ઓફ હોર્મઝ) બંધ કરી દે તો ભારત માટે કાચા તેલની આયાત મુશ્કેલ બની જશે. આથી પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના ભાવ તો વધશે જ પરંતુ લિક્વીફાઈડ નેચરલ ગેસ (એલ. અને જી.) પર ચાલતાં વાહનોને પણ મોંઘા ભાવે એલ.એન.જી ખરીદવો પડશે તો બીજી તરફ ગૃહિણીઓને ‘ગેસ’ મોંઘો પડી જશે. એલ.પી.જી. સીલીન્ડરના પણ ભાવ વધશે જ.

અત્યારે ભારત સઉદી અરબસ્તાનના પૂર્વ ભાગમાંથી તેમજ ઈરાક અને યુ.એ.ઈ.માંથી કાચુ તેલ આયાત કરે છે. પરંતુ જો ઈરાન ‘સ્ટ્રેઈટસ ઓફ હોર્મઝ’ બંધ કરી દે તો આ બધા દેશોમાંથી ક્રૂડ ઓઈલની આયાત બંધ થઈ જાય. પરિણામે ભારતમાં એરોપ્લેન માટેના વિશિષ્ટ પેટ્રોલ, મોટર વાહનો માટેના પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન પણ મોંઘા થઈ જશે. અરે ગ્રીસ અને ઘર્ષણ ઘટાડનાર ઓઈલ પણ મોંઘા થઈ જશે.

તે સર્વવિદિત છે કે, ૧લી એપ્રિલે ઈઝરાયલે સીરીયાનાં પાટનગર દમાસ્કસ સ્થિત ઈરાનના દૂતાવાસ પર હુમલો કર્યો હતો. તેથી ઈરાનના ટોચના ૭ લશ્કરી અધિકારીઓના મૃત્યુ થયા હતા. તેમાં બે તો લેફટેનન્ટ જનરલ્સ હતા. આથી ઈરાને તેનું વેર વાળવા બીજા જ દિવસે ૩૦૦થી વધુ મિસાઈલ અને ડ્રોન વિમાનો દ્વારા હુમલો કર્યો હતો જેના વળતા પ્રહારમાં ઈઝરાયલે ઈરાન પર મિસાઈલ્સ અને ફાયટર જેટ્સથી હુમલા કર્યા હતા. આ સાથે મધ્યપૂર્વનું યુદ્ધ હવે પ્રસરીને પશ્ચિમ એશિયા સુધી પહોંચી ગયું છે. ઈરાનની સાથે રશિયા અને ચીન છે, તેમાં ઉ.કોરિયા પણ ભળ્યું છે. ચીન, ઉ.કોરિયા, રશિયા અને ઈરાનની ‘ધરી’ રચાઈ ગઈ છે. તો બીજી તરફ અમેરિકા, બ્રિટન, ફ્રાંસ સહિત ‘નાટો’ રાષ્ટ્રોનાં એલાઈડ – આર્મીઝે ઈઝરાયલ સાથે છે. વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે.

રશિયા-યુક્રેન યુદ્ધથી અનાજની ખેંચ ઉભી થઈ છે. ત્યાં પેટ્રોલ-ડીઝલની ખેંચ ઉભી થવાની ભીતિ સેવાઈ રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *