માધવપુર ઘેડ ખાતે વિવાહ પ્રસંગ પૂર્ણ કરી
દ્વારકામાં ભવ્ય શોભાયાત્રા યોજાતા વિવિધ સમાજો દ્વારા સ્વાગતઃ નવવિવાહિત યુગલના સત્કાર સમારંભનું જાજરમાન આયોજન
ખંભાળિયા : માધવપુર ઘેડ મેળાના
પાંચમા અને અંતિમ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીનો વિવાહ પ્રસંગ પૂર્ણ
થતા દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણની જાન વાજતે ગાજતે આવી પહોંચી હતી. જેને
ઉમળકાભેર આવકારવા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં દ્વારકાના નગરજનો, સામાજિક સંસ્થાઓ
વગેરેએ ઉત્સાહભેર સહભાગી થઈ ભગવાન શ્રી કૃષ્ણ તથા રુક્ષ્મણીજીનું ભાવભીનું સ્વાગત
અભિવાદન કર્યું હતું.
માધવપુર ઘેડથી આવેલી ભગવાન શ્રી કૃષ્ણની જાનનું દ્વારાવતી
મોક્ષદ્વાર (હાથી ગેટ) ખાતે આગમન થતાં જ આહિર સમાજ દ્વારા પરંપરાગત વિધિથી સામૈયું
કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કિર્તી સ્તંભ ખાતે મોચી સમાજ, પ્રજાપતિ સમાજ
અને સતવારા સમાજ દ્વારા આનંદ ઉલ્લાસ સાથે શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું.
આ શોભાયાત્રા દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચતા સમસ્ત બ્રહ્મ
સમાજ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં ભગવાન શ્રી દ્વારકાધીશના
દર્શન કર્યો હતા.
આ શોભાયાત્રા જગત મંદિરથી જોધાભા માણેક ચોક ખાતે પહોંચી
હતી. જ્યાં વાઘેર સમાજ, ચારણ
સમાજ અને સમસ્ત સાધુ સમાજ દ્વારા આવકારવામાં આવી હતી. તિનબતી ચોક ખાતે લુહાર સમાજ, દરજી સમાજ, ખારવા સમાજ, હોટેલ એસોશીએશન, શિવગંગા ચેરીટેબલ
ટ્રસ્ટ દ્વારા તેમજ ભદ્રકાલી ચોકમાં રઘુવંશી સમાજ, ક્ષત્રિય સમાજ તેમજ ટ્રાવેલ્સ એસોશીએશન દ્વારા જ્યારે રબારી
ગેટ ખાતે રબારી સમાજ, અનુસૂચિત
જાતિ સમાજ અને વાલ્મિકી સમાજ દ્વારા રથને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.
ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીની શોભાયાત્રા રુક્ષ્મણીજી
મંદિર ખાતે પહોંચતા મંદિરના પૂજારી અને પુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે
યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રૃક્ષમણી મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ
થયા બાદ દ્વારકા સકટ હાઉસ પાછળ દરિયાકિનારે નવ વિવાહિત યુગલ એવા શ્રી કૃષ્ણ – રુક્ષમણીજીના ભવ્ય સત્કાર સમારોહનું ગુજરાત
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા
આયોજન કરાયું હતું. જેમાં ઉત્તર પૂર્વ રાજ્યો સહિત ગુજરાતના વિવિધ કલાકારોએ
રંગારંગ સાંસ્કૃતિક નૃત્યો સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેને બહોળી સંખ્યામાં
નાગરિકોએ મન ભરીને માણી હતી.