રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં બંને દેશો એક બીજા પર હુમલા કરવા માટે ડ્રોનનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યા છે.
રશિયાએ શનિવારે કહ્યું છે કે, ‘રશિયાના પાવર પ્લાન્ટને ટાર્ગેટ કરવા માટે યુક્રેને મોકલેલા 50 જેટલા ડ્રોન રશિયન એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા છે.જેમાંથી 26 ડ્રોન યુક્રેનની સીમા નજીક બેલગોરોદ વિસ્તારમાં જ નષ્ટ કરી દેવાયા હતા.’
રશિયાના સંરક્ષણ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘રશિયાના પશ્ચિમ તેમજ દક્ષિણ વિસ્તારમાં આવેલા બ્રાંસ્ક, કુર્સ્ક, તુલા, સ્મોલેન્સ્ક , રિયાજાન વિસ્તારોની સાથે મોસ્કો વિસ્તારમાં મળીને કુલ 50 ડ્રોનનો ખાતમો બોલાવાયો છે. તેની સાથે સાથે યુક્રેનના ફાઈટર જેટ સુખોઈ-25ને પણ તોડી પાડવામાં આવ્યુ છે.’
રશિયાએ એવો પણ દાવો કર્યો છે કે, ‘2014 અને 2017માં યુક્રેનના ભાગલાવાદી જૂથોની સાથે રશિયા સામે લડનારા અમેરિકન નાગરિક રસેલ બેન્ટલેનુ રશિયાના કબ્જા હેઠળના ડોનેત્સ્ક વિસ્તારમાં મોત થયુ છે.જોકે બેન્ટલે તાજેતરમાં યુક્રેનના લશ્કરી અભિયાનોમાં સામેલ નહોતા અને એક ન્યૂઝ એજન્સી માટે કામ કરતા હતા.’
જાણકારો માની રહ્યા છે કે, ‘યુક્રેને રશિયાના પાવર પ્લાન્ટોને ટાર્ગેટ કરવા માટે ડ્રોન હુમલો કર્યો હતો.જો આ હુમલો સફળ થયો હોત તો રશિયાના એક મોટા હિસ્સામાં અંધારપટ સર્જાવાની શક્યતા હતી.’
યુક્રેને રશિયાની માળખાકીય સુવિધાઓને ટાર્ગેટ કરવાની નીતિ અપનાવી હોય તેમ લાગે છે.તાજેતરમાં રશિયાની રિફાઈનરીઓ તથા ઓઈલ ટર્મિનલ પર પણ યુક્રેને ડ્રોન હુમલા કર્યા છે. બીજી તરફ યુક્રેને કહ્યુ હતુ કે, ‘રશિયાએ ગઈકાલે રાતે યુક્રેન પર સાત મિસાઈલો અને કેટલાક ડ્રોન લોન્ચ કર્યા હતા, જેમાંથી બે મિસાઈલ અ્ને ત્રણ ડ્રોન અમે હવામાં તોડી પાડ્યા હતા.’