Ahmedabad Accident: અમદાવાદ નારણપુરામાં વિસ્તારમાં રહેતી 21 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ યુવતી વિશ્વાનું એક મહિના પહેલા કેશવબાગ પાસે એક ગમખ્વાર અકસ્માતમાં મોત થયું હતું. એ અકસ્માતમાં સિગ્નલ બંધ થઈ જશે એવી લ્હાયમાં કાર ચાલકે એક્ટિવા પર જતી વિશ્વા શાહ નામની યુવતીને 25 ફૂટ જેટલી ઢસડતા તેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં એ ડિવિઝન પોલીસ દ્વારા આઈપીસીની કલમ 304 (અ) લગાવીને ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે, આ ઘટનાની ગંભીરતા અને અકસ્માતની સ્થિતિને ધ્યાનમાં રાખીને મૃતક યુવતીના પિતાએ આ કેસમાં આઇપીસીની કલમ 304 ઉમેરવા માટે રજૂઆત કરી હતી. આ દરમિયાન મૃતકના પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા તેમની સાથે ગેરવર્તણૂક કર્યાનો આક્ષેપ કર્યો હતો. હવે મૃતકના પરિવારજનોએ આ કેસમાં આઇપીસીની કલમ 304 ઉમેરવા અરજી આપી છે. આ ઉપરાંત ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું પણ કહ્યું છે.
કલમ 304 ઉમેરવાની સ્પષ્ટ ના કહીને રજૂઆત ન સાંભળ્યાનો આક્ષેપ
નારણપુરાના ઓશિયન કોલિના એપાર્ટમેન્ટમાં રહેતી 21 વર્ષીય વિશ્વા શાહ 14 માર્ચના રોજ સવારે કેશવબાગ પાર્ટી પ્લોટ ત્રણ રસ્તા પર એક્ટિવા લઈને જતી હતી. એ વખતે સિગ્નલ બંધ થાય તે પહેલા રસ્તો ક્રોસ કરવાની ઉતાવળમાં કારચાલકે વિશ્વા શાહને અડફેટે લઇને આશરે 25 ફૂટ જેટલી ઢસડી હતી. આ અકસ્માતમાં તેને અત્યંત ગંભીર ઈજાઓ થતાં તેનું 16 માર્ચના રોજ સારવાર દરમિયાન મોત થયું હતું. આ કેસમાં એ ડિવિઝન પોલીસે કારચાલક જોયેન જોસેફ વિરુદ્ધ આઇપીસીની કલમ 304 (અ) હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં કારચાલકને તાત્કાલિક જામીન મળી ગયા હતા.
કલમ 304 નહીં ઉમેરાતા બેદરકાર કાર ડ્રાઈવરને જામીન મળી ગયા
આ અંગે મૃતક યુવતીના પિતા સંજય શાહે જણાવ્યું છે કે, ‘પુત્રીના અવસાન પછીની જરૂરી વિધિ પૂર્ણ કરીને અમે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જઇને પીઆઈ પી.બી. ઝાલાને રજૂઆત કરી હતી કે, આ અકસ્માતમાં સ્પષ્ટ જણાય છે કે મારી પુત્રી કારના ટાયર નીચે આવી હોવા છતાં કારચાલકે કાર રોકી નહોતી. આ બનાવ સમયે ત્યાં હાજર લોકોએ કારચાલકને બૂમો મારીને તુરંત ઊભા રહેવા કહ્યું હતું. આમ છતાં, તેણે કાર 25 ફૂટથી વધુ અંતર સુધી હંકારી હતી અને મારી દીકરીને ગંભીર ઈજાઓ થઈ હતી. અમે જોયેલા સીસીટીવી ફૂટેજમાં પણ કારચાલકની ગંભીર બેદરકારી છતી થાય છે. આ સંજોગોમાં અમે તેની સામે આઇપીસીની કલમ 304 ઉમેરવા કહ્યું હતું. જો કે પીઆઈ પી.બી. ઝાલાએ અમારી વાત સમજવાના બદલે ઉદ્વતાઇપૂર્વક કહ્યું હતું કે આ કેસમાં 304ની કલમ નહી ઉમેરવામાં આવે. મારા ઉપરી અધિકારી કહેશે તો તેમને પણ આ કેસના કાગળ આપી દઇશ. પીઆઇએ અમારી વાત સાંભળવાની પણ તસ્દી લીધી નહોતી.’
આઇસીપીની કલમ 304(અ) અને 304માં શું ફર્ક છે?
અકસ્માત કરનાર કોઈને મારવાના ઇરાદા વિના પૂરઝડપે વાહન ચલાવે ત્યારે આઈપીસીની કલમ 304 (અ)નો ગુનો બને છે. આ કલમ પ્રમાણે બે વર્ષની સજાની જોગવાઇ છે. આ ઉપરાંત તેમાં જામીનની પણ જોગવાઈ છે. જો કે આઇપીસીની કલમ 304 હેઠળ વાહન ચલાવનારાને ખ્યાલ હોય છે કે, જો તે પૂરઝડપે વાહન ચલાવશે તો જે તે વ્યક્તિનું મોત થઈ શકે છે. આ પ્રકારના કેસમાં 10 વર્ષથી લઈ જન્મટીપ સુધીની સજા તેમજ દંડની જોગવાઈ છે, જે બિન જામીનપાત્ર ગુનો છે.