Parshottam Rupala Controversy : ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ગત 16 એપ્રિલના રોજ રાજકોટ બેઠક પર ફોર્મ ભર્યું હતું. ક્ષત્રિય સમાજે રૂપાલાને 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું, જે આજે પૂર્ણ થયું છે. ત્યારે આજે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી. ત્યારે આ બેઠકમાં ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા આમંત્રણ વગર પહોંચ્યા હતા. બેઠક બાદ પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર સવાલ ઉઠાવ્યા અને ગંભીર આરોપ લગાવ્યા છે. જેને લઈને ફરી એકવાર સંકલન સમિતિનો વિવાદ સામે આવ્યો છે. જેને લઈને આંદોલનમાં ભાગલા પડવાના એંધાણ જણાઈ રહ્યા છે.
જયચંદોના કારણે ક્ષત્રિય સમાજનું આંદોલન નબળું પડ્યું : પદ્મિનીબા
ક્ષત્રિય આંદોલન ભાજપ-કોંગ્રેસમાં ફેરવાયુ હોવાનો પદ્મિનીબા વાળાએ આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘જયચંદોના કારણે ક્ષત્રિય સમાજનું આંદોલન નબળું પડ્યું છે. આંદોલન રાજકીય પક્ષોમાં ફેરવાઈ ગયું છે. કેટલાક લોકોએ ક્ષત્રિય સમાજને ગુમરાહ કર્યો છે. હવે એક્શન લેવાનો સમય નીકળી ગયો છે. રૂપાલાને ફોર્મ શા માટે ભરવા દીધું. આગેવાનોએ માત્ર ટાઈમ પાસ કર્યો છે
ક્યાં ગયું તમારું પાર્ટ ટુ. આંદોલન કોઇ ફિલ્મ છે કે તેની પાર્ટ વન અને પાર્ટ ટુ હોય? પાર્ટ ટુ લાવવાનો હતો તો પાર્ટ વનમાં શું કર્યું એ જાહેર કરો. રૂપાલાને 16 તારીખે ફોર્મ જ નહોતું ભરવા દેવાનું. રાજકોટમાં બેઠક પર 300 ફોર્મ ભરાવવાની જાહેરાત તૃપ્તિ બાએ કરી હતી, તો આજે તેમાંથી કેટલા ફોર્મ ભર્યાં એ મને કહો?
ક્ષત્રિય સમાજના ભાઈઓ રાજકોટ બહેનો માટે આવ્યા હતા. સંકલન સમિતિ માટે નહોતા આવ્યા. આગેવાનોએ આખા સમાજને ગુમરાહ કર્યો. મને એકલી પાડવી હતી. હકિકતની લડાઈ પૂરી થઈ ગઈ. આંદોલન કરવાનો સમય વીતિ ગયો. હવે શું કરવું અને શું ન કરવું તે આગળ જોઈએ. હવે હું ભાઈઓને હેરાન થવા માટે નહીં બોલાવું. ભાઈઓને ઉશ્કેરીશ નહીં કારણ કે કાયદા કાનુન કડક છે.’
ક્ષત્રિયાણીએ પરેશ ધાનાણીને ટેકો જાહેર કર્યો : નયના બા
જણાવી દઈએ કે, રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદથી ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે. રાજકોટ બેઠક પર ક્ષત્રિયાણીઓએ 350થી વધુ ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી પરંતુ એક પણ ક્ષત્રિયાણીએ ઉમેદવારી નોંધાવી નથી. જોકે, ક્ષત્રિયોએ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને ટેકો કર્યાનો નયના બાએ દાવો કર્યો છે.