કરાચી,તા.19.એપ્રિલ.2024

પાકિસ્તાનના કરાચી શહેરમાં શુક્રવારે આતંકવાદીઓએ જાપાની નાગરિકોના વાહન પર આત્મઘાતી હુમલો કર્યો હતો.પોલીસે કહ્યુ હતુ કે, ‘કરાચીના લાંધી વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે જે વાહનને નિશાન બનાવ્યુ હતુ તેમાં પાંચ જાપાની નાગરિકો સવાર હતા.તેઓ સુરક્ષિત છે.આ હુમલામાં બે આતંકવાદીઓના મોત થયા છે.જ્યારે વાહનના ચાલકને ઈજાઓ પહોંચી છે.’

પોલીસે પ્રાથમિક તપાસનો હવાલો આપીને કહ્યુ હતુ કે, ‘હુમલાખોરો પગપાળા આવ્યા હતા.પોલીસને ઘટના સ્થળ પાસેથી 6 હેન્ડ ગ્રેનેડ, એક મશિનગન તેમજ ત્રણ મેગઝીન મળી આવ્યા છે.હુમલાખોરોની બેગમાં પેટ્રોલની બે બોટલો પણ હતી. સુરક્ષા દળોના જવાનોએ વળતુ ફાયરિંગ કર્યુ હતુ અને તેમાં એક આતંકવાદીનુ મોત થયુ હતુ.જ્યારે એક આતંકવાદી જાપાની નાગરિકો બેઠા હતા તે વાહન પાસે ગયો હતો.તેણે શરીર પર વિસ્ફોટકો ભરેલુ જેકેટ પહેર્યુ હતુ અને એક ગ્રેનેડ પણ બાંધ્યો હતો.તેણે પોતાને ઉડાવી દીધો હતો.’

આ ઘટનાને નજરે જોનારા એક વ્યક્તિએ જાણકારી આપી હતી કે,’જાપાની નાગરિકોના કાફલામાં ત્રણ વાહનો હતા.તેમની સુરક્ષા માટેનુ એક વાહન આગળ ચાલી રહ્યુ હતુ અને તેની પાછળના બે વાહનોમાં જાપાની નાગરિકો સવાર હતા.આ નાગરિકો  જેમાં બેઠા હતા તે વાન આતંકીઓના નિશાના પર હતી.આતંકીઓએ પહેલા ફાયરિંગ કર્યુ હતુ અને આગળના વાહનમાં બેઠેલા સુરક્ષાકર્મીઓએ તેનો વળતો જવાબ આપ્યો હતો.ગોળીબારના અવાજો વચ્ચે એક જોરદાર વિસ્ફોટ પહોંચ્યો હતો.એ પછી પોલીસ પણ તરત સ્થળ પર આવી પહોંચી હતી.આતંકીઓ સાથેની અથડામણમાં એક આતંકી પોલીસના હાથે માર્યો ગયો હતો.’

દરમિયાન સિંધની સરકારે પોલીસને આ હુમલાના માસ્ટર માઈન્ડની તપાસ કરવા માટે આદેશ આપીને કહ્યુ છે કે, ‘આતંકવાદને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે.’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *