image : Socialmedia
Ecuador Power Crisis : દુનિયાના ઘણા દેશો ભીષણ ગરમી અને હવામાનમાં થયેલા ફેરફારોના કારણે પૂર-દુકાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે.
દક્ષિણ અમેરિકન દેશ ઈક્વાડોરમાં પડેલા દુકાળના કારણે સમગ્ર દેશમાં વીજળીનુ સંકટ ઘેરુ બન્યુ છે. ઈક્વાડોર પોતાની વીજ માગ સંતોષવા માટે મોટાભાગે હાઈડ્રો પાવર પ્રોજેકટ પર આધાર રાખે છે. અલ નીનોની અસરના કારણે હાલમાં દેશ દુકાળનો સામનો કરી રહ્યો હોવાથી નદીઓ અને જળાશયોમાં પાણી ઓછુ થઈ ગયુ છે. જેના કારણે હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી થતા વીજ ઉત્પાદન પર ગંભીર અસર પડી છે.
દેશમાં વીજળીની માંગ સામે પુરવઠોએ હદે ઓછો થયો છે કે, સરકારે લોકોને વીજળી ઓછી વાપરવા માટે અપીલ કરી છે. દેશમાં જન જીવન પણ વીજ સંકટના કારણે પ્રભાવિત થયુ છે.
ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં કહ્યુ છે કે, પાણી વગર હાઈડ્રો પાવર પ્લાન્ટ ચલાવવા શક્ય નથી. સરકારે દેશમાં વીજ કટોકટીના કારણે બે દિવસ સુધી સરકારી અને ખાનગી કંપનીઓના કર્મચારીઓને ઘરે રહેવાનો આદેશ આપી દીધો છે.
ઈક્વાડોરમાં સર્જાયેલી આ સ્થિતિ અલ નીનોને આભારી છે. જેના કારણે પ્રશાંત મહાસાગરના કેટલાક હિસ્સામાં દરિયાની સપાટીનુ તાપમાન સામાન્ય કરતા ચાર થી પાંચ ડિગ્રી વધારે ગરમ થયુ છે. આ ગરમીના કારણે દરિયા પરથી ફૂંકાતા પવનની દીશા અને ઝડપમાં ફેરફાર થઈ રહ્યા છે. તેના લીધે ઋતુ ચક્ર ખોરવાઈ ગયુ છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહેતા પવનોનુ જોર પણ ઓછુ થયુ છે. જેની અસર ઈક્વાડોરમાં વરસાદની પેટર્ન પર પડી છે.ઓછા વરસાદે આ દેશમાં દુકાળની સ્થિતિ સર્જી દીધી છે.
અલ નીનોએ 1982-83માં અને 1997-98માં દુનિયાને સૌથઈ વધારે પ્રભાવિત કરી હતી. 1982-83માં અલ નીનોના કારણે પૂર્વીય ગોળાર્ધમાં આવેલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં દરિયાની સપાટીનુ તાપમાન સામાન્ય કરતા 9 થી 18 ડિગ્રી વધી ગયુ હતુ અને તેણે સંખ્યાબંધ દેશોના હવામાનને પ્રભાવિત કર્યુ હતુ.1997-98માં અલ નીનોની અસરના કારણે ઈન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઈન્સમાં પડેલા દુકાળથી હાહાકાર મચી ગયો હતો.