David Cameron on Manipur And Ram Mandir | બ્રિટનના વિદેશમંત્રી અને પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરુને હાઉસ ઓફ લોર્ડ્સને સંબોધી હતી. આ દરમિયાન ભારતના મણિપુરમાં ભડકેલી હિંસા અને અયોધ્યામાં રામમંદિરનો મુદ્દો પણ સંસદમાં ઉછળ્યો હતો. આ અંગે પૂછાયેલા સવાલોનો જવાબ આપતાં પૂર્વ વડાપ્રધાને કેટલીક મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી.
શું બોલ્યાં ડેવિડ કેમરુન?
ડેવિડ કેમરુને કહ્યું કે મણિપુરમાં ભડકેલી હિંસામાં સ્પષ્ટ રીતે ધાર્મિક પાસા દેખાઈ આવ્યા હતા. અનેક અવસરે અમે ભારત સરકાર સમક્ષ ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો પણ ઊઠાવ્યો છે. તેના પર ભારત સરકાર સાથે સતત ચર્ચા પણ થતી રહે છે.
મણિપુર અંગે શું કહ્યું?
ધાર્મિક સ્વતંત્રતા અંગેના સવાલ પર કેમરુને કહ્યું કે મેં મણિપુર અંગે ડેવિડ કેમ્પાનેલના રિપોર્ટનો અભ્યાસ કર્યો હતો. આ રિપોર્ટ 2023માં તૈયાર કરાયો હતો. જેમાં લખ્યું છે કે મણિપુરના લોકો અને પહાડી આદિવાસીઓ વચ્ચે ભલે જાતીય કે આર્થિક વિવાદ થયો હોય પરંતુ આ હિંસા વચ્ચે ચર્ચને કેમ નુકસાન પહોંચાડાયું? આ ઘટનાઓ દર્શાવે છે કે તે સ્પષ્ટ રીતે ધાર્મિક પ્રભાવ ધરાવતી હતી.
રામમંદિર વિશે શું બોલ્યાં?
બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્સમાં ચર્ચા દરમિયાન અયોધ્યામાં રામમંદિર અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો જેના પર કેમરુને સહમતિ વ્યક્ત કરી. આ સવાલો અને મુદ્દો વિમ્બલડનના લોર્ડ સિંહ દ્વારા ઊઠાવાયો હતો. સિંહે કહ્યું હતું કે ભારતના બંધારણને ધર્મનિરપેક્ષ કહેવાય છે છતાં અયોધ્યામાં રમખાણો થયા. હજારો મુસ્લિમો માર્યા ગયા. તત્કાલીન ગૃહમંત્રીએ પણ મુસ્લિમોને ઉધઇ ગણાવ્યાં હતાં. ખ્રિસ્તીઓ પર અત્યાચાર કરાયા અને શીખોને કહી દેવાયું કે જો તે હિન્દુઓની જેમ વર્તન કરશે તો ઠીક છે નહીંતર તેમને પણ ભાગલાવાદી ગણાવાશે. ચર્ચા વચ્ચે લોર્ડ સિંહે ધાર્મિક સ્વતંત્રતાને પ્રાથમિકતા આપવાની અપીલ કરી હતી જેના પર કેમરુને સહમતિ વ્યક્ત કરી હતી. કેમરુને કહ્યું કે ધાર્મિક સહિષ્ણુતા અને સ્વતંત્રતાના મહત્ત્વ વિશે જે વાતો આ ચર્ચા દરમિયાન સામે આવી છે તે તમામ મહત્ત્વપૂર્ણ છે. આ મુદ્દે ભારત સાથે સમયાંતરે ચર્ચા થતી પણ રહે છે.