– ઉનાળાના આકરા તાપમાં તબીયત સાચવવા
– પાણી પીવાની સાથે બપોરે 12 થી 3 દરમિયાન ઘરની બહાર જવાનું ટાળવા સહિતના સુચનો જારી કરાયા
ભાવનગર જિલ્લામાં વર્તમાન દિવસોમાં હીટવેવની સંભાવનાઓને જોતા હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે ભાવનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હીટવેવ દરમિયાન પુરતું પાણી પીવું જોઇએ, તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે ઓ.આર.એસ., ઘરે બનાવેલા શુદ્ધ પીણા જેવા કે લસ્સી, તોરાની (ચોખ્ખુ પાણી), લીંબુપાણી, છાશ વગેરેનો પુરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઇએ. બને તેટલું ઘરની અંદર રહો, હળવા, હળવા રંગના ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડા પહેરવા જોઇએ, તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ કે ચપ્પલ, ટોપીનો ઉપયોગ કરવો, વૃદ્ધો, બાળકો, બીમાર અથવા વધુ વજનવાળા લોકો માટે વિશેષ કાળજી લેવી જે વધુ પડતી ગરમીનો શિકાર બને છે. જ્યારે હીટવેવ દરમિયાન તડકામાં બહાર જવાનું ટાળવું જોઇએ. ખાસ કરીને બપોરના ૧૨ થી ૩ કલાકની વચ્ચેનો સમય, પીકઅવર્સ દરમિયાન રસોઇ કરવાનું ટાળો, રસોડામાં પુરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઇએ. ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો, વાસી ખોરાક ન ખાવાનું માર્ગદર્શિકામાં જણાવ્યું છે.