– ઈરાને અમેરિકાને પહેલેથી જ ચેતવણી આપી છે કે જો તમે હસ્તક્ષેપ કરશો તો ઈરાન મૂક બની બેસી નહીં રહે
નવી દિલ્હી : દુનિયાના બે શક્તિશાળી દેશો ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તંગદિલી ચરમ સીમાએ પહોંચી છે. બીજી તરફ અમેરિકા પણ પોતાના જાની-મિત્ર ઈઝરાયલ માટે ઈરાન પર સખ્ત પગલાં લેવાનાં મૂડમાં છે. ઈઝરાયલના કહેવાથી અમેરિકા ઈરાન ઉપર સખત પગલાં લઈ રહ્યું છે. તેની ઉપર પ્રતિબંધોની ઝડી લગાવી રહ્યું છે. આથી ઈરાન ખરેખરૃં ધૂંધવાયું છે. તેણે અમેરિકાને ચેતવણી આપી છે કે જો તે હસ્તક્ષેપ કરશે તો ઈરાન મૂક નહીં બેસે.
ઉલ્લેખનીય છે કે, ઈરાન દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓ પૈકીની એક બળવાન સેના ધરાવે છે. તેની પાસે ઈસ્લામિક ગાર્ડ કોર્પ્સ ઉપરાંત આતંકીઓની મસમોટી ફોજ છે, જે તેને બહારના ખતરામાંથી બચાવે છે. આ ઈસ્લામિક ગાર્ડ ફોર્સે જ થોડા દિવસો પૂર્વે ઈઝરાયલ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા.
ઈરાન પાસે પેલેસ્ટાઇનમાં હમાસ, લેબેનોનમાં હિઝબુલ્લાહ અને અમનમાં હૂથી આતંકીઓની ફોજ છે. જેને તે અઢળક શસ્ત્રો અને નાણાં આપે છે. આથી માત્ર ઈઝરાયલ નહીં પરંતુ અમેરિકા પણ ટેન્શનમાં છે.
ઈરાન અમેરિકાને પોતાની સામેનો સૌથી મોટો ખતરો માને છે. ઈઝરાયલ બીજા ક્રમે દુશ્મનાવટમાં છે.
જાણકારો કહે છે કે ઈરાને મધ્ય-પૂર્વમાં આતંકીઓનું એવું નેટવર્ક બનાવ્યું છે કે, જેના દ્વારા તે લડયા સિવાય જ પોતાની તાકાત દર્શાવી શકે તેમ છે. ઈરાન ૩૦ વર્ષથી કોઈ યુદ્ધ જ લડયું નથી. તેના શસ્ત્રો તે આતંકીઓને આપે છે, અને તેમના દ્વારા લડાઈ લડયા સિવાય જ પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકે છે.