હનીટ્રેપમાં કરી કરી પૈસા પડાવ્યા છે, વધુ પૈસા માંગે છે : મૂળ રાજકોટના હાલ વરાછાના યોગેશ જાવીયાને કર્મચારી નયના ઝાલા સાથે સંબંધ હતા, બંને ભાગીને પરત ફર્યા ત્યારથી નયના, તેનો પતિ, જેઠાણી, જેઠ પૈસા માંગતા હતા : બુધવારે સાંજે ‘હું ચાર લોકોના ત્રાસને કારણે આપઘાત કરૂં છું’ તેવો વિડીયો બનાવી યોગેશે કામરેજ બ્રિજ પરથી તાપીમાં ઝંપલાવ્યું હતું
સુરત, રાજકોટ : સુરતના પાસોદરાના રેસ્ટોરન્ટ સંચાલક મૂળ રાજકોટના યુવાનના આપઘાતના બનાવમાં વરાછા પોલીસે તેમને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવી વધુ રૂ. 5 લાખની માંગણી કરનાર તેને ત્યાં નોકરી કરતી મહિલા, તેના પતિ, જેઠાણી અને જેઠ વિરૂદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા જુદીજુદી ટીમો બનાવી સૌરાષ્ટ્ર રવાના કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા મીનીબજારમાં ગીરિરાજ રેસ્ટોરન્ટના નામે નાનકડી હોટલ ચલાવતા મૂળ રાજકોટના વતની અને સુરતના પાસોદરા નવકાર એવન્યુ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય યોગેશભાઈ જાવીયાએ ગત બુધવારે સાંજે હું ચાર લોકોના ત્રાસને કારણે આપઘાત કરૂં છું તેવો વિડીયો બનાવી કામરેજ બ્રિજ પરથી તાપીમાં ઝંપલાવ્યું હતું.ગુરૂવારે રાત્રે તેમનો મૃતદેહ ઉત્રાણ ખાતેથી મળ્યો હતો.