IND vs ENG, Virat Kohli : ભારતીય ક્રિકેટ ટીમ જયારે ઇંગ્લેન્ડ સામેની બીજી વનડે મેચ રમવા ઉતરશે ત્યારે બધાની નજર વિરાટ કોહલી પર રહેશે. કારણ કે, પહેલી વનડેમાં કોહલી ઘૂંટણની ઈજાને કારણે મેચથી બહાર રહ્યો હતો. તેની જગ્યાએ છેલ્લી ક્ષણે શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન શુભમન ગિલે જણાવ્યું છે કે, કોહલીની ઈજા ગંભીર નથી અને તે બીજી મેચમાં રમી શકે છે. ત્યારે હવે સવાલ એ છે કે, બીજી વનડેમાં શ્રેયસ અને યશસ્વી જયસ્વાલમાંથી કોને ટીમમાંથી બહાર કરવામાં આવશે? જો કે, શ્રેયસે જે રીતે પહેલી વનડેમાં પ્રદર્શન કર્યું છે તેને જોતા ટીમમાંથી તેને બહાર કરવો મુશ્કેલ છે.