Jamnagar Fire News : જામનગરમાં ડીકેવી કોલેજ રોડ પર આવેલી એક હોટલમાં ચોથા માળે આવેલા એક રૂમમાં અકસ્માતે આગ લાગી હતી, અને આગની જ્વાળાઓ ચો તરફ દેખાઇ હતા. ફાયર શાખાએ હાઇડ્રોલિક ફાયર ફાઈટરનો ઉપયોગ કર્યો હતો, અને ચોથા માળે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની અટકી છે. તેમજ સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.
જામનગરમાં ડીકેવી કોલેજ રોડ ઉપર ધનવંતરી ગ્રાઉન્ડની સામે આવેલી લાઈમ ટ્રી હોટલ, કે જે ત્રીજા અને ચોથા માળે આવેલી છે. જે હોટલના ચોથા માળે આઠ નંબરના રૂમમાં અકસ્માતે આગ લાગી હતી. રાત્રિના 11 વાગ્યાને 10 મિનિટે આગનો મેસેજ ફાયર બ્રિગેડને મળતાં ચીફ ફાયર ઓફિસર તેમજ અન્ય ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને હાઇડ્રોલિક ફાયર ફાઈટરનો ઉપયોગ લેવામાં આવ્યો હતો. જે ફાયર ફાઈટર છેક ચોથા મળે પહોંચાડવામાં આવ્યો હતો, અને ટાવર લેડર મારફતે પાણીના બે ટેન્કરોનો મારો ચલાવી એકાદ કલાકની જેહેમતને લઈને આગ સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી હતી. હોટલમાં આઠ નંબરનો રૂમ ખાલી હતો, પરંતુ તેની આજુબાજુના રૂમમાં પ્રવાસીઓ રોકાયેલા હતા. જે તમામને ખાલી કરી દેવાયા હતા, જેથી સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આગના લબકારાઓ દેખાવાના કારણે ડીકેવી કોલેજ રોડ પર રાત્રિના સમયે લોકોના ટોળા એકત્ર થયા હતા. ફાયર બ્રિગેડની સમય સૂચકતાના કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી, અને નુકસાની પણ અટકી ગઈ હતી.