– રાજકોટ પર વાદળોની છત્રીથી તાપ ઘટયો, બફારો વધ્યો 

– રવિવારે પાંખા વાદળો છવાયા પણ આજથી હવામાન સૂર્યપ્રકાશિત,અકળાવી દે તેવું ગરમ રહેવાની આગાહી 

રાજકોટ : સૌરાષ્ટ્રમાં આજે છૂટાછવાયા સ્થળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ પાંખા વાદળો ધસી આવ્યા હતા અને રાજકોટ તથા ખંભાળિયા અને આસપાસના વિસ્તારોમાં અસહ્ય બફારા વચ્ચે અમીછાંટણા વરસ્યા હતા જ્યારે ગુજરાતમાં એકંદરે આગામી પાંચ દિવસ અકળામણ અનુભવાય તેવું ગરમ ભેજયુક્ત હવામાન રહેવાની અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે હીટવેવની ચેતવણી જારી કરાઈ છે. 

રાજકોટની ધરતીને જાણે કે તીવ્ર તાપથી રક્ષવા કુદરતી વાદળોની છત્રી બંધાઈ હતી જેના પગલે બપોરના તાપમાનમાં   ૩થી ૪ સે.નો ઘટાડો થયો હતો અને ૩૭ સે.તાપમાન રહ્યું હતું. પરંતુ, ભેજનું પ્રમાણ ૨૦ટકાથી વધીને ૩૫-૪૦ ટકા સુધી પહોંચી જતા પરસેવે રેબઝેબ કરતો બફારો અનુભવાયો હતો.

જો કે, આવું આંશિક વાદળિયુ હવામાન હવે રહેવાની સંભાવના નથી કે નોંધપાત્ર વરસાદી ઝાપટાંની પણ કોઈ આગાહી નથી. બલ્કે, આગામી પાંચ દિવસ સુધી હવામાન એકંદરે સૂર્યપ્રકાશિત એટલે કે સૂર્યનો તીવ્ર તાપ વરસતો રહેશે અને આવતીકાલ તથા મંગળવારે પોરબંદર,ભાવનગર અને દિવમાં તથા દિવમાં ત્યારબાદ  પણ હીટવેવની ચેતવણી જારી કરાઈ છે એટલે કે આ સ્થળે નોર્મલ આ સમયમાં હોય તેના કરતા ઉંચુ તાપમાન રહેશે. 

આજે આશ્ચર્યજનક રીતે રાજ્યમાં સૌથી ઉંચુ તાપમાન ભાવનગરમાં ૪૧ સે. નોંધાયું હતું જ્યારે બીજા નંબરે અમરેલીમાં ૪૦.૮ સે. રહ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ૩૯ સે. આસપાસ અને સુરતમાં ૪૦ સે. તાપમાન રહ્યું હતું. દિવ, સુરેન્દ્રનગર, કેશોદ સહિત વિસ્તારોમાં ૩૮થી ૪૦ સે. વચ્ચે પારો રહ્યો હતો. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *