– સુરત પાર્ટ-2 : ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસે કૈલાસ વિજયવર્ગીયનું ઓપરેશન
ઇંદોર : ચૂંટણી થાય તે પહેલા જ ભાજપે લોકસભાની એક બેઠક જીતી લીધી છે. અગાઉ કોંગ્રેસે સૂરતની બેઠક ભાજપ સામે ગૂમાવવી પડી હતી, હવે આવુ જ મધ્ય પ્રદેશમાં થવા જઇ રહ્યું છે. મધ્ય પ્રદેશના ઇંદોરના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ કોંગ્રેસ છોડી દીધી હતી અને ભાજપમાં જોડાઇ ગયા હતા. મધ્ય પ્રદેશના ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગિય અને કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ કારમાં સાથે જોવા મળ્યા હતા, જેની તસવીર ખુદ ભાજપના નેતાએ ટ્વીટર પર જાહેર કરી હતી.
કૈલાશ વિજયવર્ગિયએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઇંદોરથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર અક્ષય કાંતિ બમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત કરીએ છીએ. ઇંદોરમાં ૧૩મી મેના રોજ મતદાન થવાનું છે, ૨૯મીએ એટલે કે સોમવારે ઉમેદવારીનો અંતિમ દિવસ હતો. જિલ્લા કલેક્ટર આશિષસિંહે મીડિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસના અક્ષય સહિત ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. જે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે.
કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટે જિલ્લા કલેક્ટર પાસે ભાજપના ધારાસભ્ય રમેશ મેંડોલાની સાથે ગયા હતા. ભાજપે ઇંદોર બેઠક પર શંકર લાલવાનીને ટિકિટ આપી છે. જેની સામે કોંગ્રેસે અક્ષય બમને ટિકિટ આપી હતી. જોકે અક્ષય ચૂંટણીમાંથી હટી ગયા છે અને ભાજપમાં જોડાઇ ગયા છે. સોમવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી હવે કોંગ્રેસ આ બેઠક પર ચૂંટણી નહીં લડી શકે. ઉમેદવારી પરત ખેંચ્યા બાદ અક્ષય બમ ભાજપની ઓફિસે પહોંચી ગયા હતા.
કોંગ્રેસે દાવો કર્યો હતો કે ચૂંટણી પંચ આ તમામ સ્થિતિ પર ધ્યાન નથી આપી રહ્યું. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રિનાતે જણાવ્યું હતું કે અક્ષય બમ સામે અનેક ગંભીર કેસો દાખલ છે, રાજ્યમાં અનેક યુનિ. કોલેજો ચલાવે છે. તેમણે અચાનક જ ઉમેદવારી પરત ખેંચી લીધી અને ભાજપમાં જોડાઇ ગયા તે કોઇ સામાન્ય નિર્ણય નથી, ઉમેદવારો પર ઉમેદવારીપત્ર પરત ખેંચવા દબાણ થઇ રહ્યું છે. જે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે લોકશાહીને ખતરો ક્યાં છે તેઓએ ઇંદોરમાં જે થયું તે જોઇ લેવું જોઇએ. બીજી તરફ ઇંદોરમાં અક્ષય બમના ઘરની આસપાસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. અક્ષય બમ ૧૦ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. જોકે હવે ચૂંટણી સમયે જ ઉમેદવારીપત્ર પરત ખેંચીને તેઓ ભાજપમાં જોડાઇ જતા અનેક અટકળો ચાલી રહી છે.