Lok Sabha Elections 2024 : રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી શરૂ થાય તે પહેલા કેબિનેટ મંત્રી કિરોડીલાલ મીણા (Kirori Lal Meena)નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાજપ ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા મીણાની જનસભામાં ખુરશીઓ ખાલી રહેતા તેઓ ગુસ્સે થઈ મંચ છોડીને જતા રહ્યા છે. એટલું જ નહીં આ દરમિયાન તેમની અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે બોલાચાલી અને ધક્કામુક્કી પણ થઈ ગઈ છે.
ભીડ ભેગી ન થતા કેબિનેટ મંત્રી ગુસ્સે થયા
રાજસ્થાન સરકાર (Rajasthans Government)ના કેબિનેટ મંત્રી કિરોડીલાલ મીણાની સોમવારે બાલાજી મંદિર પાસે જનસભા યોજાઈ હતી. તેઓ દૌસા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર કન્હૈયા લાલ મીણાના સમર્થનમાં જનસભા કરવા પહોંચ્યા હતા. જો કે તેમાં ભીડ ભેગી ન થતા મીણા ગુસ્સે થઈને મંચ છોડીને જતા રહ્યા હતા. મંચ પર ઉતર્યા બાદ કેરોડીલાલ અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી.
મીણાએ ભાજપ પદાધિકારીઓને તતડાવ્યા
જનસભામાં ભીડ ભેગી ન થતા મીણાએ ભાજપ પદાધિકારીઓને તતડાવીને કહ્યું કે, ‘આવી જનસભાઓ કરવા તમને શરમ આવવી જોઈએ.’ ત્યારબાદ તેમણે ગુસ્સે થઈ મંચ પર ઉતરતા કહ્યું કે, ‘ચાલો… પોતપોતાના ઘરે ચાલો. આ જ મારું ભાષણ છે, ચાલો… ભાગો… હટો…’
‘બસ્સીના લોકો બિલકુલ પાગલ થઈ ગયા છે’
સ્થાનિક કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ મંત્રી કિરોડીલાલ મીણાએ કહ્યું કે, ‘ગત વિધાનસભા ચૂંટણીમાં ઈમાનદાર વ્યક્તિને હરાવી મારી ઈજ્જત રાખી નથી, તો હવે શું રાખશો? વડાપ્રધાન મોદીને ફોન કરીને કહું છું કે, ‘બસ્સીના લોકો બિલકુલ પાગલ થઈ ગયા છે.’ ત્યારબાદ મંત્રીજી ગુસ્સે થઈને મંચ પરથી ઉતરી ગાડીમાં બેસી જતા રહ્યા હતા.