યુવક એમબીએ પૂર્ણ કરી વર્ક વિઝા પર નોકરી કરતો હતો
હરિયાણા સોનિપતના વતની ચિરાગ અંતિલના પરિવારજનોએ મૃતદેહ લાવવા માટે ભારત સરકારની મદદ માગી
ઓટાવા: ૨૦૨૨માં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કેનેડા ગયેલા ૨૪ વર્ષીય ભારતીય યુવાનની વેંકૂવરમાં તેની કારમાં જ ગોળી મારી હત્યા કરવામાં આવી છે તેમ સ્થાનિક પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.
વેંકૂવર પોલીસ વિભાગને રાતે ૧૧ વાગ્યે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોને ગોળીઓનો અવાજ સંભળાતા તેમણે પોલીસને જાણ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ચિરાગ અંતિલ તેની કારમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતોે. અત્યાર સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી અને તપાસ હજુ પણ ચાલુ છે.
ચિરાગના ભાઇ રોનિતે પત્રકારોને જણાવ્યું હતું કે સવારે જ્યારે મારી ચિરાગ સાથે વાત થઇ તો તે ખૂબ જ ખુશ લાગી રહ્યો હતો. ત્યારબાદ બહાર જવા માટે તેણે ઓડી કાર બહાર કાઢી તો તેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.
મૃતકનું મૂળ વતન હરિયાણાનું સોનિપત હતું. તેના પરિવારજનોએ તેનો મૃતદેહ વતન લાવવા માટે ભારત સરકાર પાસે મદદ માગી છે. તેના પિતા હરિયાણા સરકારના નિવૃત્ત કર્મચારી છે. ચિરાગે તાજેતરમાં જ એમબીએ પૂર્ણ કર્યુ હતું અને હાલમાં તે વર્ક વિઝા પર લંડનમાં હતો. ચિરાગ એક સિક્યુરિટી એજન્સીમાં નોકરી કરતો હતો.