– 4 માર્ચે મોપેડ સવાર આધેડ દંપતીને અડફેટમાં લેતા પતિનું મોત થયુઃ તપાસમાં માત્ર પાછળ એચએસઆરપી નંબર પ્લેટ હોવાથી શંકા ગઇ
– લેણી રકમ સામે ફાઇનાન્સર પાસેથી કાર લઇ લીધી અને મિત્ર પાસેથી આર.સી બુક અને આધારકાર્ડ મેળવી નંબર પ્લેટ બનાવડાવી
સુરત
સિંગણપોરના રોસ્કો સર્કલ નજીક મોપેડ સવાર દંપતીને અડફેટમાં લઇ પતિને મોતને ઘાત ઉતારવાના પ્રકરણની તપાસ અંતર્ગત ફાઇનાન્સર પાસે ગીરવે મુકેલી કાર ઉપર બોગસ નંબર પ્લેટ લગાવી ફેરવતા હોવાનું બહાર આવતા પોલીસે મિત્ર પાસેથી આર.સી બુક અને આધારકાર્ડ મેળવી એચએસઆરપી નંબર પ્લેટ બનાવનારની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
ગત 4 માર્ચના રોજ સિંગણપોર વિસ્તારમાં મોપેડ સવાર હીરાના કારખાનાના આધેડ મેનેજર ધીરૂ ડોબરીયા અને તેમની પત્ની શારદાબેનને કાર નં. જીજે-5 જેપી-0023 ના ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ધીરૂભાઇનું બે દિવસ બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતની આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક ભાવિન પરબત માંડવીયા (ઉ.વ. 24 રહે. 33, બાલાજીનગર સોસાયટી-1, બાલાજી ચાર રસ્તા, કતારગામ) ની ધરપકડ કરી હતી. જો કે કારની આગળ-પાછળને બદલે માત્ર પાછળ એચએસઆરપી નંબર પ્લેટ હોવાથી પોલીસને શંકા જતા રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસ કરતા પોલીસે રામકૈલાશ ગંગાપ્રસાદ મૌર્યા (રહે. ઓમનગર, ડીંડોલી) ના ઘરે પહોંચી હતી. રામકૈલાશે ઉપરોકત નંબર વાળી કાર વર્ષ 2022 માં દલાલ રમેશ વિઠ્ઠલ વરીયા પાસેથી ખરીદી હતી અને હાલમાં તે પોતાના કબ્જામાં છે. જેથી પોલીસ ચોંકી ગઇ હતી અને એન્જીન-ચેસીસ નંબરના આધારે તપાસ કરતા ટાટા ઝેસ્ટ કારનો રજીસ્ટ્રેશન નં. જીજે-5 બીઝેડ-3186 અને સંજય રાઠોડની માલિકીની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ભાવિનની પૂછપરછ કરતા કાર તેના મિત્ર પ્રદીપ છગન કાકલોતર (રહે. રણછોડનગર, વાળીનાથ ચોક, કતારગામ) ની હોવાનું જણાવતા પોલીસે પ્રદીપના ઘરે પહોંચી હતી. પ્રદીપે કબૂલાત કરી હતી કે વર્ષ 2021 માં કતારગામના ફાઇનાન્સર કરણ બોદરાની ઓફિસમાં કામ કરતો હતો ત્યારે કરણ પાસે સંજય રાઠોડે કાર ગીરવે મુકી હતી. કરણ પાસે રૂ. 1 લાખની લેણી રકમ સામે કાર લઇ લીધી હતી અને ગીરવે મુકાયેલી કારની ઓળખ છુપાવવા મિત્ર રાહુલ વરીયા પાસેથી કાર નં. જીજે-5 જેપી-0023 ની આર.સી બુક અને તેના આધારકાર્ડ મેળવી એચએસઆરપી નંબર પ્લેટ બનાવડાવી હતી.